આત્મનિર્ભર ભારત પેકેજની પ્રગતિ


તાજેતરની પ્રગતિના મુખ્ય મુદ્દાઓ :

રૂ. 200 કરોડ સુધીની સરકારી ખરીદીના ટેન્ડરોમાં વૈશ્વિક ટેન્ડરોને મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્થાનિક MSMEને આપવામાં આવેલી એક મોટી રાહતરૂપે, ખર્ચ વિભાગ દ્વારા સાધારણ આર્થિક અધિનિયમ, 2017ના વર્તમાન કાયદા 161 (iv) અને GFR કાયદામાં વૈશ્વિક ટેન્ડરો બાબતે સુધારો કરવામાં આવ્યો છે.

હવે, રૂ. 200 કરોડ સુધીનાં કોઇપણ ટેન્ડરમાં વૈશ્વિક ટેન્ડર પૂછપરછ (GTE)ને આમંત્રિત કરવામાં આવશે નહીં, સિવાય કે કેબિનેટ સચિવ પાસેથી અગાઉથી મંજૂરી મેળવવામાં આવી હોય.

કોન્ટ્રાક્ટરોને રાહત

નાણામંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રેલવે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ અને CPWD જેવી તમામ કેન્દ્રીય એજન્સીઓને કોન્ટ્રાક્ટ સંબંધિત જવાબદારીઓ પૂરી કરવા માટે વધુ 6 મહિના સુધીની મુદત લંબાવી આપવામાં આવશે જેમાં EPC અને મુક્તિ કરારોના સંદર્ભમાં પણ મુદત લંબાવાનો નિર્ણય સામેલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારોને સહકાર

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા માત્ર વર્ષ 2020-21 માટે રાજ્યોને ધિરાણ લેવાની મર્યાદા 3%થી વધારીને 5% કરવાની વિનંતી સ્વીકારવાનો કેન્દ્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી રાજ્યોને વધારાના રૂ. 4.28 લાખ કરોડના સંસાધનો પ્રાપ્ત થશે.

લૉકડાઉનના કારણે મહેસૂલની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આર્થિક તાણનો સામનો કરી રહેલી રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિમાં સહકાર આપવાના પ્રયાસોરૂપે, ખર્ચ વિભાગ દ્વારા તમામ રાજ્યોને વર્ષ 2020-21 માટે રાજ્યોના પ્રસ્તાવિત GSDPના 2 ટકા રકમનું વધારાનું ધિરાણ લેવા સંબંધે તમામ રાજ્યો સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે, જે ચોક્કસ રાજ્ય સ્તરના સુધારાના અમલીકરણને આધિન રહેશે.

MSME સહિત વ્યવસાયો માટે રૂ. 3 લાખ કરોડનું જામીન મુક્ત સ્વયંચાલિત ધિરાણ

વ્યવસાયોને રાહત આપવાના ઉદ્દેશથી, 29 ફેબ્રુઆરી 2020ના રોજ બાકી ધિરાણની કુલ રકમના 20% જેટલી વધારાની કાર્યકારી મૂડીનું ધિરાણ છુટછાટપૂર્ણ વ્યાજદરે ટર્મ લોનના રૂપમાં આપવામાં આવશે.

રૂ. 25 કરોડ સુધીની બાકી રકમ અને રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હોય અને જેમના ખાતાં આદર્શ હોય તેવા એકમોને આવું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આવા એકમોએ ધિરાણ માટે પોતાના જામીન આપવાની જરૂર નહીં પડે.

આ રકમની 100% બાંયધરી ભારત સરકાર દ્વારા આપવામાં આવશે જેના કારણે 45 લાખથી વધુ MSMEમાં રૂ. 3 લાખ કરોડથી વધુની નાણાં પ્રવાહિતાનો ઉમેરો થશે.

20.05.2020ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા પછી, આર્થિક બાબતોના વિભાગ દ્વારા 23.05.2020ના રોજ યોજના અંગે પરિચાલન માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી અને 26.05.2020ના રોજ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના (ECLGS)ની રચના કરવામાં આવી હતી.

NBFC માટે રૂ. 45,000 કરોડની આંશિક ધિરાણ બાંયધરી યોજના 2.0

હાલમાં અસ્તિત્વમાં રહેલી આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)માં સુધારો કરવામાં આવશે અને ઓછા રેટિંગ ધરાવતા NBFC, HFC અને અન્ય સુક્ષ્મ ધિરાણ સંસ્થાઓ (MFI)માંથી ધિરાણ લેવાનું આવરી લેવા માટે, તેના વ્યાપનું વિસ્તરણ કરવામાં આવશે. ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને 20 ટકા પ્રથમ સર્વોચ્ચ બાંયધરી પૂરી પાડશે.

20.05.2020ના દિવસે જ આ યોજનાની પરિચાલન માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી. બેંકો દ્વારા રૂ. 14,000 કરોડના પોર્ટફોલિયોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં, 3 જુલાઇ 2020ના રોજની સ્થિતિ અનુસાર રૂ. 6,000 કરોડ માટે મંજૂરી/વાટાઘાટોની પ્રક્રિયા ચાલી રહી છે.

નાબાર્ડ (NABARD) દ્વારા ખેડૂતો માટે 30,000 કરોડની વધારાની કટોકટીની કાર્યકારી મૂડી ભંડોળ

કોવિડ-19 દરમિયાન RRB અને સહકારી બેંકોને નાબાર્ડ દ્વારા મંજૂરી આપવા આવી હોવાથી રૂ. 30,000 કરોડના વિશેષ પુનઃધિરાણની સુવિધા સાથે નવા મોરચાની શરૂઆત થઇ છે. લણણી પછી અને ખરીફ વાવેતરની મોસમમાં ખેડૂતો તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળે તે માટે મોટાભાગે નાના અને સીમાંત ખેડૂતો સહિત 3 કરોડ ખેડૂતોના લાભાર્થે આ વિશેષ સુવિધા આપવામાં આવી છે.

TDS/TCS દરમાં ઘટાડો કરવાથી રૂ. 50,000 કરોડની વધારાની પ્રવાહિતા

મહેસૂલ વિભાગે 13.05.2020ના રોજ બહાર પાડેલી અખબારી યાદીમાં જાહેરાત કરી હતી કે, 14 મે, 2020થી 31 માર્ચ, 2021 દરમિયાન કરવામાં આવેલા નાણાં વ્યવહારો દ્વારા નિવાસીઓને કરવામાં આવેલી ચુકવણીઓ પર કાપવામાં આવતા TDS અને નિર્દિષ્ટ TCS દરોમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. 

અન્ય પ્રત્યક્ષ કરવેરા સંબંધિત પગલાં

3 જુલાઇ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં દર્શાવ્યા અનુસાર, 8 એપ્રિલથી 30 જૂન દરમિયાન, કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT) દ્વારા 20.44 લાખથી વધુ કેસોને રૂ. 62,361 કરોડથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી છે. બાકી રહેલા રીફંડની કામગીરી હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

વિભાગ દ્વારા 24.06.2020ના રોજ એવી અધિસૂચના પણ બહાર પાડવામાં આવી હતી કે, નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે આવકવેરા રિટર્ન જમા કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ, 2020 (વ્યક્તિગત) અને 31 ઓક્ટોબર, 2020 (કંપનીઓ માટે) હતી તે લંબાવીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે.

વધુમાં, કરવેરા ઓડિટ અહેવાલો રજૂ કરવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2020 હતી તે લંબાવીને 31 ઓક્ટોબર, 2020 કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર, 2020 સુધીની મર્યાદામાં આકારણી પૂર્ણ કરવાની હોય તેમના માટે આકારણીની સમય અવધિની તારીખ લંબાવીને 31 માર્ચ, 2021 કરવામાં આવી છે.

આ સંદર્ભે, 24.6.2020ના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદી દ્વારા, જણાવવામાં આવ્યું હતું કે, ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના અંતર્ગત કોઇપણ વધારાની રકમ વગર ચુકવણી કરવા માટેની તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે અને આ બાબતે વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, 2020 (VsV અધિનિયમ)માં કાનૂની સુધારા સમયાનુસર કરવામાં આવશે.

વધુમાં અધિસૂચનાઓ દ્વારા, VsV અધિનિયમ હેઠળ આવતી અનુપાલનની તારીખ 20 માર્ચ, 2020થી 30 ડિસેમ્બર, 2020ની વચ્ચે આવતી હોય તો તેને લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

IBC સંબંધિત પગલાં દ્વારા ઇઝ ઓફ ડુઇંગ માટે વધુ વૃદ્ધિ

IBC, 2016ની ધારા 4 હેઠળ નાદારીની મર્યાદા વધારીને રૂ. 1 કરોડ (હાલમાં રૂ. 1 લાખ છે ત્યાંથી) કરવામાં આવી છે એટલે કે, “નાદારી અને દેવાળીયાપણુ સંહિતા, 2016 (2016નો 31)ની ધારા 4 અંતર્ગત આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ધારાનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવા માટે નાદારીની રકમ ઓછામાં ઓછી રૂ. 1 કરોડ હોવી જરૂરી છે” જે બાબતે 24.6.2020ના રોજ અધિસૂચના બહાર પાડવામાં આવી હતી.

MSMEને રાહત આપવા માટે ધારા 240A અંતર્ગત વિશેષ નાદારી ઠરાવને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ અંગે સૂચિત કરવામાં આવશે.

નાદારી અને દેવાળીયાપણું સહિતા (સુધારો) વટહુકમ, 2020, 5 જૂન, 2020ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં નાદારી અને દેવાળીયાપણુ સંહિતા 2016માં ધારા 10A સામેલ કરવામાં આવી છે જેથી સંહિતાની ધારા 7, 9 અને 10 અંતર્ગત કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP)ની શરૂઆત હંગામી ધોરણે છ મહિના સુધી અને મહત્તમ એક વર્ષ સુધી સ્થગિત કરી શકાય.

NBFC/HFC/MFI માટે રૂ. 30,000 કરોડની વિશેષ પ્રવાહિતા યોજના

NBFC/HFC માટે વિશેષ પ્રવાહિતા યોજના લાવવાની મંત્રીમંડળની મંજૂરી મળ્યા પછી, આ યોજના શરૂ કરવામાં આવી છે. RBI દ્વારા NBFC અને HFCને 1 જુલાઇ, 2020ના રોજ પરિપત્ર બહાર પાડીને આ યોજના સંબંધે જાણ કરવામાં આવી છે.

7 જુલાઇ, 2020 સુધીમાં SBICAPને રૂ. 9,875 કરોડના ધિરાણ માટે 24 અરજીઓ પ્રાપ્ત થઇ છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. આ સંબંધે મળેલી પ્રથમ અરજીને મંજૂરી આપી દેવામાં આવી છે અને બાકીની અરજીઓ પણ હાલમાં વિચારાધીન છે.

Source : PIB Ahmedabad, 12/07/2020