Section 144 & Curfew (કલમ 144 અને કર્ફ્યુ)


કલમ 144 અને કર્ફ્યુની સાદી સમજ
તાજેતરમાં કોરોના વાયરસનો રોગચાળો વિશ્વભરમાં ફેલાયેલો છે અને ભારત પણ તેની અસર જોવા મળી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના જોખમને ઓછું કરવા માટે CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કલમ 144 શું છે?
- કલમ 144 એ ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC-ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની 144મી કલમ (સેક્શન) છે.  
- કોઈપણ ક્ષેત્ર/શહેરમાં તોફાનો, લૂંટ, હિંસક વિરોધ, પથ્થરમારો વગેરેના કિસ્સામાં CrPCની કલમ  144 લાદવામાં આવે છે. કલમ 144 એ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેરનામું છે, જેમાં કોઈ ક્ષેત્રમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવે છે.
- CrPC ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 માં ઘડવામાં આવ્યો હતો.
- જે-તે પ્રદેશમાં કટોકટીની અથવા તોફાનના કિસ્સામાં અથવા માનવ જીવન અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવાની સંભવિત સ્થિતિ અથવા કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં લાદવામાં આવે છે. બીજા શબ્દોમાં આ જાહેર જનમેદની પરનો એક પ્રકારનો પ્રતિબંધ છે.
- CrPCની કલમ 144, હેઠળ જે-તે વિસ્તારમાં કોઈપણ પ્રકારના હથિયાર રાખવા કે તેની હેર-ફેર પર પ્રતિબંધ લાદવામાં આવે છે. જેના ઉલ્લંઘન બદલ લોકોની અટકાયત કરી શકાય છે અને ૩ વર્ષની સજા મળી શકે છે.
- આ કલમ હેઠળ, કોઈપણ જાહેર હિલચાલ થઈ શકતી નથી. જે તે વિસ્તારમાં જાહેર સભા રેલીઓ કરવા પર પ્રતિબંધ હોય છે. જરૂર પડ્યે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવે છે.
- કાયદા અમલ ન કરનાર કે અવરોધ ઉભો કરનાર વ્યક્તિ/સંસ્થા સામે સજાપાત્ર ગુનો દાખલ થઇ શકે છે.
- આ અધિનિયમ, હેઠળ પ્રશાસનને જરૂર જણાય તો, જે-તે ક્ષેત્રમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરી શકે છે.
આમ, કલમ 144 નો મુખ્ય હેતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે તેમજ જાહેર આરોગ્યની સલામતી તેમજ મુશ્કેલરૂપ પરિસ્થિતિમાં જન-જીવન જાળવી રાખવાનો છે. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને વિશાળ સત્તા આપવામાં આવી છે. આ જોગવાઈઓ, વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ નિયંત્રણ સાથે સંબંધિત છે.
કલમ 144માં આદેશનો સમયગાળો કેટલો હોય છે?
- સામાન્ય રીતે કલમ 144 હેઠળનો કોઈ આદેશ બે મહિના સુધી અમલમાં રાખી શકાય છે. અસામાન્ય પરિસ્થિતિ (માનવીય જીવન, આરોગ્ય અથવા સલામતી માટે જોખમ, તોફાન, દુર્ઘટના વગેરે) માં રાજ્ય સરકાર કલમ 144 હેઠળનો આદેશ વધુમાં વધુ છ મહિના સુધી લંબાવી શકે છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે કલમ 144 હટાવી લેવામાં આવે છે.
કર્ફ્યુ એટલે શું?
- કર્ફ્યુ ઓર્ડર, કોઈપણ સ્થાન અથવા શહેરમાં વધુ ખરાબ પરિસ્થિતિને આધિન છે. લોકોને ચોક્કસ સમય માટે ઘરમાં રહેવું પડે છે. કોઈપણ પ્રકારની હિંસક પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં કર્ફ્યુ લાદવામાં આવે છે.
- કર્ફ્યુ પોલીસની પૂર્વ મંજૂરી વિના કોઈપણ બાહ્ય પ્રવૃત્તિને પ્રતિબંધિત કરે છે. બજારો, શાળાઓ, કોલેજો, વગેરે જેવી સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવે છે, અને ફક્ત આવશ્યક સેવાઓ ચલાવવાની મંજૂરી અપાય છે.
- કર્ફ્યુ એ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હુકમ છે. આ સમયે ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જો જરૂરી હોય તો પ્રશાસન કર્ફ્યુ લંબાવી શકે છે.
કર્ફ્યુ દરમિયાન ક્યા કયા પ્રતિબંધો હોય છે?
- કોઈ પણ સક્ષમ સત્તાની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ ભૂખ-હડતાલ કરી શકતી નહીં.
- વ્યક્તિ કોઈપણ પ્રકારના સાધન કે હથિયાર સાથે ચાલવા પર પ્રતિબંધ.
- ઓફિસમાં પણ લાઇસેંસ પ્રાપ્ત હથિયારો લઈ જવા પર પર પ્રતિબંધ.
- તે ફટાકડા ફોડવા કે તેનું વેચાણ પણ પ્રતિબંધ.
- કોઈપણ સમુદાય-સંસ્કૃતિની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા ભાષણ કે જાહેરાત પર પ્રતિબંધ.
- પૂર્વ પરવાનગી વિના લાઉડ સ્પીકર્સ, ડી.જે.ના ઉપયોગ પર પ્રતિબંધ.
- પાંચ કે તેથી વધુ લોકોને પરીક્ષા કેન્દ્રથી બસ્સો યાર્ડના અંતરે ભેગા થવા પર પ્રતિબંધ.
- લગ્નમાં પણ હથિયારો અને દારૂગોળો રાખવા પર પ્રતિબંધ.
- જો કે, પરીક્ષાર્થીઓ, લગ્ન સમારોહ, સ્મશાન અને ધાર્મિક તહેવારોમાં કર્ફ્યુમાં છુટ-છાટ અપાય છે.
શું કલમ 144 નો અર્થ કર્ફ્યુ છે?
- ના, આ બંને સમાન નથી. CrPCની કલમ 144 સામાન્ય રીતે જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ લાદે છે. જયારે, કર્ફ્યુ લોકોને ચોક્કસ સમય માટે ઘરની અંદર રહેવા આદેશ છે. જો કર્ફ્યુ દરમિયાન વ્યક્તિને ઘરની બહાર જવું હોય, તો સ્થાનિક પોલીસની પૂર્વ મંજૂરી લેવી પડે છે.
- CrPCની કલમ 144, ટોળા પર પ્રતિબંધ લગાવે છે પરંતુ તેને નિયંત્રિત કરતી નથી. કર્ફ્યુ એ ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે લેવામાં આવતી વ્યાપક કાર્યવાહી છે. કર્ફ્યુમાં જાહેરમાં ફરવા માટે પણ પરવાનગીની જરૂર હોય છે. કર્ફ્યુ એ કલમ 144 નું વિસ્તૃત સ્વરૂપ કહી શકાય.
- ટૂંકમાં કલમ 144 અને કર્ફ્યુ બંને મળતા આવતા ખ્યાલો છે, છતાં બંને એક સમાન નથી.
Sources :
www.jagranjosh.com,
www.indiatoday.in,
www.business-standard.com