ભારતમાં લોકડાઉન (Lockdown)


ભારતમાં લોકડાઉન
તાજેતરમાં કોરોના વાયરસના રોગચાળાએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે ત્યારે આ મહામારીથી બચવા માટે ભારત સહિત ચીન, ઇટાલી, ડેનમાર્ક, યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સ્પેન વગેરે દેશોએ લોકડાઉન કરેલ છે.
 
> લોકડાઉન એટલે શું?
લોકડાઉનનો એટલે મકાન અથવા આપેલ ક્ષેત્રમાંથી બહાર નીકળવા કે દાખલ થવા પર પ્રતિબંધ. લોકડાઉન એવી સ્થિતિ છે જેમાં કટોકટીના કારણે લોકોને ઘરમાં રહેવાની ફરજ પડે છે. લોકડાઉન એક પ્રકારની કર્ફ્યુની સ્થિતિ છે, જેમાં ખાનગી અને જાહેર કચેરીઓ, ખાનગી મથકો અને જાહેર પરિવહન બંધ કરવામાં આવે છે. આ સરકાર દ્વારા અપનાવવામાં આવતી એક પ્રકારની અસ્થાયી પ્રણાલી છે.
> ભારતમાં લોકડાઉન
ભારતના વડા પ્રધાને 24 માર્ચથી આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની ઘોષણા કરી છે અને જણાવ્યું હતું કે 'લોકડાઉન પાછળ ભારત સરકારનો હેતુ દેશમાં કોવિડ -19 ના ચેપને રોકવાનો છે. લોકડાઉન એ એક અસ્થાયી પ્રણાલી છે અને પરિસ્થિતિમાં સુધારો થયે તેને દૂર કરાશે.’
       નોંધનીય છે કે, કોરોના મહામારીથી બચવા માટે ભારતના લોકડાઉનને WHO એ પણ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. 
ધ ન્યુયોર્ક ટાઇમ, 24 માર્ચ 2020 અનુસાર, ભારતનું આ લોકડાઉન કદાચ દેશના તેમજ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું લોક ડાઉન છે જેમાં 130 કરોડ લોકો સામેલ છે અને જે 21 દિવસ ચાલશે. વળી, કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં પણ ભારતનું આ લોકડાઉન સૌથી મોટું છે.
ધ ગાર્ડિયન, 25 માર્ચ 2020 અનુસાર, લોકડાઉન એ ભારત માટે સૌથી વધુ વ્યવહારુ પગલું છે, કારણ કે, દેશમાં આરોગ્ય સુવિધાઓ અપૂરતી છે, આશરે 40,000 વેન્ટિલેટર, 11,600 લોકો દીઠ એક ડોક્ટર, 1,826 લોકો દીઠ એક હોસ્પિટલ બેડ અને 84,000 લોકો દીઠ એક અલગ પલંગ છે. યુરોપ અને યુ.એસ. ની તુલનામાં ભારતમાં હાલ કોરોનાવાયરસના કેસોની સંખ્યા હજી ઓછી છે, પરંતુ ટેસ્ટ પણ અન્ય દેશોની તુલનામાં ખુબ ઓછા (ફક્ત 17,000 જેટલા) થયા છે. 
દેશમાં લોકડાઉન અંતર્ગત ઘણા રાજ્યોએ બોર્ડર્સને સીલ કરી દીઘી છે. જો કે, તબીબી ઇમર્જન્સી અથવા અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે અમુક અંશે ખાનગી વાહનના ઉપયોગની છુટ અપાઈ છે, પરંતુ કોઈ કારણ વગર બહાર નીકળવામાં આવે તો, પોલીસ કાર્યવાહી કરી શકે છે.
> ભારતમાં લોકડાઉન દરમિયાન શું બંધ રહેશે?
- સરકારી અને ખાનગી કચેરીઓ, કારખાનાઓ,
- દુકાનો, વર્કશોપ, મોટા સ્ટોર્સ, શોપિંગ મોલ, સિનેમા હોલ, સાપ્તાહિક બજારો અને વેરહાઉસ
- પેસેન્જર ટ્રેન, મોટાભાગની બસ સેવાઓ.
- ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો, બાંધકામ પ્રવૃત્તિઓ, સામૂહિક મેળાવડા
- લગ્ન સ્થગિત કરવાની પણ તાકીદ
> લોકડાઉન દરમિયાન શું ખુલ્લું રહેશે?
- કરિયાણા, ફળ અને શાકભાજીની દુકાનો, ફૂડ હોમ-ડિલિવરી, LPG સપ્લાય, દૂધ વેચાણ
- હોસ્પિટલો અને ફાર્મસીઓ, બેંક અને એટીએમ, પોસ્ટ ઓફિસ, મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ
- કેટલાક રાજ્યોમાં 25% બસ સેવાઓ, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ
- પેટ્રોલ પંપ અને CNG અથવા LPG પંપ, વીજળી, પાણી, ઇન્ટરનેટ
- પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ઇ-કોમર્સ
- પોલીસ સ્ટેશન, ફાયર વિભાગ, જેલ
લોકડાઉનની ભારતીય અર્થતંત્ર પરની સંભવિત અસરો :
- બાર્કલેઝે જણાવ્યું હતું કે COVID-19 લોકડાઉનનો ખર્ચ લગભગ 120 અબજ ડોલર (GDP ના 4 ટકા) થવાનો અંદાજ છે. ઉપરાંત વધારાનું શટડાઉન 90 અબજ ડોલરનું થઇ શકે છે.
- 'નોમુરા ઇન્ડિયાએ જણાવ્યું છે, કે COVID-19 લોકડાઉનને લીધે ભારતમાં બેરોજગારીમાં વધારો, પગાર કાપ, ગ્રાહકોની માંગમાં ઘટાડો થઇ શકે છે તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં વ્યાપક  મંદી આવી શકે છે.
- મોર્ગન સ્ટેનલીના મતે, નાણાંકીય વર્ષ 2020-21 BSE સેન્સેક્સ EPS વૃદ્ધિ અનુમાન 10 % રહેશે જે ફેબ્રુઆરીની તુલનામાં 20 % ઘટાડો દર્શાવે છે.
- ભારતના અર્થશાસ્ત્રી કૃણાલ કુંડુના મતે દેશના બિન સંગઠિત ક્ષેત્ર (દેશના અર્થતંત્રનું 65 – 70 % ક્ષેત્ર) અને ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમો તેમજ છુટક મજુરી કરનાર વર્ગ પર લોકડાઉનની સૌથી વધુ વિપરીત અસર થશે.
- ‘ઇકોનોમિક ટાઈમ્સ’ અનુસાર, વાયરસથી સૌથી વધુ પ્રભાવિત એવા રાજ્યોનો હિસ્સો નોમિનલ GDPની દ્રષ્ટિએ રૂ. 130 લાખ કરોડ (નોમિનલ GDPના 64 ટકા)નો અંદાજ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જેનો રાષ્ટ્રીય GDPમાં 14 ટકા જેટલો હિસ્સો છે.

આમ, હાલમાં કોરોના મહામારીને લીધે વિશ્વના 197 જેટલા દેશો કટોકટી જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ઇટાલી જેવા વિકસિત દેશમાં ચીન કરતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. આવનારા સમયમાં ભારતમાં વધુ વિકટ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે લોકડાઉન અંતર્ગત સરકાર દ્વારા જારી આદેશોનું નાગરિકો પાલન કરે તે અતિ આવશ્યક છે.

SOURCES :
- https://www.jagranjosh.com
- https://www.theguardian.com
- https://economictimes.indiatimes.com  
- https://www.nytimes.com