ગ્રાહક સુરક્ષા કાયદો - 2019



તાજેતરમાં 20 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન શ્રી રામ વિલાસ પાસવાન દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. આમ, 20 જુલાઈ 2020થી ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે.
  
પૂર્વભૂમિકા :
30 જુલાઈ, 2019 ના રોજ લોકસભામાં અને 06 ઓગસ્ટ, 2019 ના રોજ રાજ્યસભા દ્વારા ગ્રાહક સુરક્ષા બિલ-2019ને પસાર કરવામાં આવ્યું. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન શ્રી રામ વિલાસ પાસવાન દ્વારા સંસદમાં આ બિલ રજૂ કરાયું હતું.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 2019 શું છે?
ગ્રાહક સુરક્ષા કાયદો, 2019 એ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો કાયદો છે. આ કાયદો દેશભરની ગ્રાહક અદાલતમાં મોટી સંખ્યામાં ઉપભોક્તા ફરિયાદોના નિરાકરણ માટે છે. આ કાયદો ગ્રાહકોની ફરિયાદોને ઝડપથી હલ કરવા માટેનું એક માધ્યમ છે.

ગ્રાહક સુરક્ષા કાયદાનો હેતુ શું છે?
સમયસર અને અસરકારક વહીવટ અને ગ્રાહકોના વિવાદોના સમાધાન માટે અધિકારીઓની સ્થાપના કરીને ગ્રાહકોના હકકોનું રક્ષણ કરવું એ આ અધિનિયમનો મૂળ હેતુ છે.

ઉપભોક્તા(ગ્રાહક) ની વ્યાખ્યા શું છે?
અધિનિયમ મુજબ; એ વ્યક્તિને ગ્રાહક કહેવામાં આવે છે જે સેવાઓનો લાભ મેળવે છે અને સ્વ-ઉપયોગ માટે વસ્તુઓ/સેવાઓની ખરીદી કરે છે. ઉલ્લેખનીય છે કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુઓ/સેવાઓની ખરીદી કરે છે અને પુન: વેચાણ અથવા વ્યવસાયિક હેતુ માટે વસ્તુઓ/સેવાઓ મેળવે છે, તો તેને ગ્રાહક માનવામાં આવતો નથી. આ વ્યાખ્યામાં તમામ પ્રકારના વ્યવહારો એટલે કે ઓન લાઇન અને ઓફ લાઇનનો સમાવેશ થાય છે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની મુખ્ય લાક્ષણિકતાઓ :

   (1) સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ની સ્થાપના: 
  • આ કાયદામાં CCPAની સ્થાપનાની જોગવાઈ છે જે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ, પ્રોત્સાહન અને અમલ કરશે. CCPA ગેરવાજબી વેપાર વ્યવહાર, ભ્રામક જાહેરાતો અને ગ્રાહક હકકોના ઉલ્લંઘનને લગતા કેસોનું નિયમન કરશે.
  • આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ લાદવાનો અને માલ પાછો ખેંચવા અથવા સેવાઓ પરત ખેંચવાના ઓર્ડર પસાર કરવાનો અધિકાર CCPAને રહેશે.
  • અન્યાયી વેપાર વ્યવહાર બંધ કરવાનો અને ગ્રાહકો દ્વારા ચૂકવેલ કિંમતની ભરપાઈ કરવાનો CCPAને અધિકાર રહેશે.
  • સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી પાસે આવા ઉલ્લંઘનની પૂછપરછ કરવા અને તપાસ કરવા માટે એક તપાસ વિભાગ હશે. 
  • CCPAનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ કરશે.

  (2) ગ્રાહકોના હકક:
આ અધિનિયમ ગ્રાહકોને 6 અધિકાર પૂરા પાડે છે;
  • માલ અથવા સેવાઓના જથ્થા, ગુણવત્તા, શુદ્ધતા, ક્ષમતા, ભાવ અને માનક ધોરણ (Standard) વિશેની માહિતી મેળવવી..
  • જોખમી માલ અને સેવાઓથી સુરક્ષિત રહેવું.
  • અયોગ્ય અથવા પ્રતિબંધિત વેપાર વ્યવહારથી સુરક્ષિત રહેવું.
  • સ્પર્ધાત્મક ભાવે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અથવા સેવાઓ મેળવવી.
    
(3) ગેરમાર્ગે દોરતી જાહેરાત માટે પ્રતિબંધ અને દંડ:
  • ગેરમાર્ગે દોરનારા અથવા ખોટી જાહેરાત માટે સમર્થન આપનાર અથવા ઉત્પાદક પર 2 વર્ષ સુધીની સજા કરવાની સત્તા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ને હશે.
  • પુનરાવર્તિત ગુનામાં રૂ .50 લાખનો દંડ અને 5 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.

(4) ગ્રાહક વિવાદ નિવારણ આયોગ:
આ કાયદામાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ ગ્રાહક વિવાદ નિવારણ કમિશન (CDRC) ની સ્થાપનાની જોગવાઈ છે.
CDRC નીચે મુજબની ફરિયાદોનું નિરાકરણ કરશે;
  • વધુ પડતાં ચાર્જ (કિંમત) અથવા ભ્રામક કિંમત
  • અયોગ્ય અથવા પ્રતિબંધિત વેપાર વ્યવહાર
  • જીવન માટે જોખમી માલ અને સેવાઓનું વેચાણ
  • ખામીયુક્ત ચીજો અથવા સેવાઓનું વેચાણ

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળનું અધિકારક્ષેત્ર :
  • આ કાયદામાં ગ્રાહક તકરાર નિવારણ પંચ (CDRC)ના માપદંડની વ્યાખ્યા આપવામાં આવી છે. 
  • માલ અથવા સેવાની કિંમત રૂ. 10 કરોડથી વધુ હોય તો તેની ફરિયાદો રાષ્ટ્રીય CDRC સાંભળશે, જ્યારે માલ અથવા સેવાની કિંમત 1 કરોડથી 10 કરોડ હોય ત્યારે રાજ્ય CDRC ફરિયાદો સાંભળશે અને જ્યારે કિંમત 1 કરોડ રૂપિયા સુધીની હોય તો જીલ્લા CDRC ફરિયાદો સાંભળશે.
Source : PIB, New Delhi