History of Indian Planning

ભારતીય આર્થિક આયોજનનો ઇતિહાસ :
(GPSC Main/Prelims માં ઉપયોગી)

ભારત આઝાદ થયું ત્યારે તેની સામે બે પ્રકારની આર્થિક નીતિ સ્વીકારવાના વિકલ્પો હતા. મુક્ત અર્થતંત્ર (અમેરિકા જેવું), અને  સામ્યવાદી આયોજન (રશિયા જેવું). 1928માં રશિયાએ (તે સમયે USSR) આર્થિક આયોજનની નવી નીતિ સ્વીકારી હતી અને 1929ની મહામંદીમાં અમેરિકા સહિતની મુક્ત અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી ત્યારે રશિયાની કેન્દ્ર આયોજીત વ્યવસ્થા અડગ ટકી રહી અને વિકાસ કર્યો. આ બાબતથી પ્રેરાયને ભારતે લોકતાંત્રિક આયોજન પસંદ કર્યું.

• 1934 : 
એમ. વિશ્વેશ્વરૈયા (ભારત રત્ન-1955) એ 'The Planned Economy of india'નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે આગામી દસ વર્ષમાં ભારતના વિકાસનો રચનાત્મક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. તેનો મુખ્ય વિચાર કૃષિથી ઉદ્યોગોમાં મજૂરી સ્થળાંતર કરવાની અને દસ વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાની યોજનાનો હતો. આયોજન તરફ આ પહેલું નક્કર પગલું ગણાવી શકાય.

• 1934 : 
FICCI (Federation of Indian chamber of commerce and industries) મૂડીવાદીઓની મહત્ત્વપૂર્ણ સંસ્થા હતી. તેણે કે દેશના આર્થિક વિકાસ માટે આર્થિક આયોજનની ભલામણ કરી. (અધ્યક્ષ એન.આર.સરકાર) 

• 1938 : 
ભારત માટે રાષ્ટ્રીય યોજનાનો વિકાસ કરવાનો પ્રથમ પ્રયાસ 1938 માં થયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય આયોજન સમિતિ (NPC)નું ગઠન કર્યું. તેના અધ્યક્ષ જવાહરલાલ નેહરુ હતા, અન્ય સભ્યો જે. આર. ડી. ટાટા, એમ.વિશ્વેશ્વરૈયા, જી. ડી. બિરલા વગેરે હતા. જો કે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત અને ભારતીય રાજકીય પરિસ્થિતિમાં ફેરફારને કારણે તેની ભલામણોનો અમલ થઈ શક્યો નહીં.

• 1944 : 
મુંબઈના ઉદ્યોગપતિ નેતાઓ (પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જે.આર.ડી.ટાટા, જી.ડી.બિરલા વગેરે) એ એક આયોજન રજૂ કર્યું જેને ‘ભારત માટે આર્થિક વિકાસની યોજનાની રૂપરેખા એક સંક્ષિપ્ત મેમોરેન્ડમ’ (‘A Brief Memorandum Outlining a Plan of Economic Development for India’) તેવું નામ આપવામાં આવ્યું.  જે “બોમ્બે પ્લાન' તરીકે પ્રસિદ્ધ થયું. જેમાં મૂળભૂત ઉદ્યોગોના મહત્વ પર ભાર મુકાયો હતો. જો કે તેની ટીકાઓ થઇ હતી. 

• 1944  :   
ગાંધીવાદી વિચારક, સ્વાતંત્ર્ય સેનાની શ્રીમન્ન નારાયણ અગ્રવાલે ‘ગાંધીવાદી યોજના’ તૈયાર કરી હતી. તેમાં કુટીર ઉદ્યોગો દ્વારા ગ્રામીણ વિકાસની પ્રાધાન્યતા સાથે સાથે આર્થિક વિકેન્દ્રીકરણ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ જ સમયમાં વાઈસરોયની કાર્યકારી પરિષદ અંતર્ગત ‘આયોજન અને વિકાસ વિભાગ’ની સ્થાપના કરવામાં  આવી. 

• 1945  : 
માર્ક્સવાદી-સમાજવાદી વિચારધારાથી પ્રેરિત એવા એમ.એન.રોય એ “People’s Plan” રજુ કર્યો. લાહોરના ભારતીય મહાસંઘ વતી આ યોજના રજુ થઇ હતી. તેમાં જીવન જરૂરી પાયાની વસ્તુઓ પર ભાર મુકવામાં આવ્યો. કૃષિ અને ઉત્પાદનનું રાષ્ટ્રીયકરણ આ યોજનાની લાક્ષણિકતા હતી. આ યોજના ત્યાર પછીના "Common minimum programme' માટે પ્રેરણારૂપ ગણાવી શકાય. 

• 1946 : 
ઓક્ટોબર 1946 માં, વચગાળાની સરકાર દ્વારા યોજનાઓ અને ભાવિ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા અને તેના પર ભલામણો કરવા માટે ‘આયોજન સલાહકાર બોર્ડ’ની રચના કરવામાં આવી.

• 1950 : 
જયપ્રકાશ નારાયણે વિનોબા ભાવેના ‘સર્વોદય’ અને ‘ગાંધીવાદી યોજના’ માંથી પ્રેરણા લઈ ‘સર્વોદય પ્લાન’ રજુ કર્યો. જેમાંથી અમુક મુદ્દાઓ સરકારે સ્વીકાર્યા હતા. આ યોજનામાં કૃષિ અને નાના અને કુટીર ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો છે. 

• 1950 : 
આયોજન પંચની સ્થાપના કરવામાં આવી.

• 1952 : 
રાષ્ટ્રીય વિકાસ પરિષદ  (NDC) પંચની રચના કરવામાં આવી.

• 1950 થી 2017 સુધી : 
વિવિધ પંચવર્ષીય યોજનાઓનો અમલ.

• ઓગસ્ટ 2014 : 
પ્રધાનમંત્રી દ્વારા આયોજન પંચને ભંગ કરવાની ઘોષણા. 

• 1 જાન્યુઆરી 2015 : 
નીતિ આયોગની સ્થાપના (NITI-National institute for Transforming India)